IMG_0392

દોસ્તો આજે થોડુ જાણીએ થેલેસેમીયા વિશે. થેલેસેમીયા મેજર આપણા જીવન માટે પડકારરૂપ, અસાધ્ય અને જીવલેણ રોગ છે. આ રોગમાં બાળકને જન્મના 3 થી 18 માસમાં જ લોહીની ઉણપના ચિન્હો દેખાવા લાગે છે. આ રોગથી પીડાતા બાળકને નિયમિત વધારાનું લોહી ચડાવવુ પડે છે. જીવનભર પરાયા લોહી પર જીવાડવુ  પડે છે. છતા આ બાળકનું આયુષ્ય સામાન્ય રીતે ટૂંકુ હોય છે. આ બાળકના પરિવારને દર પંદર દિવસે એક કે બે બોટલ લોહીની વ્યવસ્થા કરવી પડે છે. વારંવાર લોહી ચડાવવાથી બાળકને શારીરિક બહુજ કષ્ટ પડે છે. આ બાળકને જીવાડવા માટે મહીનામાં પાંચ હજાર થી પચ્ચીસ હજાર સુધીનો ખર્ચ થાય છે.  આ બધીજ સારવાર દરમિયાન બાળક અને પરિવાર – શારીરિક, માનસિક ને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. દોસ્તો પડકારરૂપ એટલા માટે કે ગુજરાતમાં આવા બાળકોની સંખ્યા અંદાજે 10 હજારથી વધારે થવા જઈ રહી છે. હજુ પણ દર મહિને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો આપણે જાગૃત નહી થાઈએ તો આવનાર સમયમાં આપણો પરિવાર, કુટુંબ અને સમાજ આ ભયંકર રોગના મુખમાં ધકેલતો રહેશે.

થેલેસેમીયા બાળક જન્મવાની શક્યતા ક્યારે?

માતા-પિતા બન્નેની અજ્ઞાનતા અને રોગ વિશે જાણકારી મેળવવાની ગંભીરતામાં બેદરકારી ને લઈને તેમના બાળકને વારસામાં આ રોગ મળે છે. જ્યારે પતિ પત્ની બન્ને માયનોર હોય તો તેમના બાળકોમાં થેલેસેમીયા મેજર ઉતરી આવવાની પુરી શક્યતા રહે છે.

કઈ રીતે અટકાવી શકિએ થેલેસેમીયા રોગને?

“પહેલા કરો થેલેસેમીયાનું નિદાન, પછીજ કરો લગ્નમાં નાચ-ગાન.” ખરેખર તો આપણું બાળક અભ્યાસ કરતું હોય ત્યારે થેલેસેમીયાનો રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે. જો રિપોર્ટ થેલેસેમીયા (માયનોર) આવે તો સંતાનની સગાઈની તૈયારી કરીએ ત્યારે સામેનું પાત્ર માયનોર હોય તો આવા સબંધો અટકાવવા જોઈએ. બે માંથી કોઇ એક નોર્મલ હોય તો આવા દંપતીને ત્યાં થેલેસેમીયા બાળક જન્મવાની કોઇ સંભાવના રહેતી નથી. આપણા દેશના જાણીતા ફિલ્મી કલાકાર શ્રી અમિતાભ બચ્ચન પણ થેલેસેમીયા માયનોર છે. પરંતુ તેમના ધર્મ પત્ની નોર્મલ હોવાથી તેમના જીવનમાં કોઇ બાળક થેલેસેમીયા મેજર જન્મેલ નથી. હા અભ્યાસ દરમિયાન આ ટેસ્ટ કરાવવાનું બાકી રહી ગયું તો જ્યારે આપણે સંતાનની સગાઈની તૈયારી કરીએ ત્યારે આ ટેસ્ટ કરાવવો બહુજ જરૂરી છે.